Tuesday, May 28, 2019

Bhavesh Oza creative engineer and writer

રાત આંખોમાં ઉગી, લંબાઈ ગઈ,
બા ગઈ ને વારતા વિખરાઈ ગઈ.

આબરુ ઘરની પછી ઢંકાઈ ગઈ
બાપુજી થઈ બા બધે ફેલાઈ ગઈ

સૌને ભેગા રાખવાની જીદમાં,
સૌમાં થોડી થોડી બા વહેંચાઈ ગઈ.

મારું પહેરણ આખું હોવું જોઈએ,
બાની સાડી થીંગડે વીંટાઈ ગઈ.

છાપરું લઈને સમય ચાલ્યો ગયો,
બા છબી થઈ ભીંતમાં મૂકાઈ ગઈ.

બા મને તુંકારથી બોલાવતી,
બા જતાં મોટાઈ પણ રોપાઈ ગઈ.

બા તો કેવળ જિંદગી જીવતી હતી,
ને મને એમાં ગીતા સમજાઈ ગઈ

એક સરખી બા બધાંની જોંઉ છું,
એમ લાગે દિવ્યતા પથરાઈ ગઈ.

હુંય ઈશ્વરને ભજી લઉ છું હવે,
બા ગઈ ને બંદગી બદલાઈ ગઈ

No comments:

Post a Comment