Tuesday, May 28, 2019

Sanjay Parmar

"જળ કમળ છાંડી જા ને બાળા... સ્વામી અમારો જાગશે... તને મારશે.. મને બાળ હત્યા લાગશે"
નાનપણમાં આ કાવ્ય શિક્ષકો ભણાવતા ત્યારે એમા છુપાયેલો મર્મ સમજાતો નહોતો કે, કાળીનાગની પત્ની જે એક નાગણ છે એના મનમાં પણ બાળ હત્યાની ભીતિ છે....એ પણ ત્યારે, જ્યારે બાળ હત્યા તો કાળીનાગ કરવાનો હતો. કવિતા રટાવતા શિક્ષકને બાળહત્યા એ ઘોર પાપ ગણાય એની ખબર હતી કે નહિ એ તો બાલકૃષ્ણને જ ખબર.
     "સંભવામી યુગે યુગે" એવું કહેનારા કૃષ્ણને કલિયુગના કાળીનાગ, 'ભ્રષ્ટાચાર' સાથે હજી ક્યારેય પનારો પડ્યો નથી લાગતો...! કૃષ્ણને શું ખબર કે એ તો દ્વાપર યુગમાં યશોદા એના જીગરના ટુકડાને સાંદિપનીના આશ્રમમાં મોકલવાની હિંમત કરે... કળિયુગમાં આવું દુસાહસ કરી બતાવે જોઉં.
     વિજ્ઞાનનો નિયમ કહે છે કે: ત્રણ ઘટકો જોઈએ અગ્નિ પેદા કરવા માટે. ઇંધણ, પ્રાણવાયુ અને ઉષ્મા. આને અંગ્રેજીમાં 'ફાયર ટ્રાએન્ગલ' કહેવામાં આવે છે. બસ, આ ત્રિકોણ એક વાર પૂરો થઈ જાય પછી એનું તાંડવ કોઈ ન રોકી શકે. કોઈની પરવા નથી કરતી અગ્નિ પછી. આજના સાર્વજનિક જીવનમાં અગ્નિતાંડવ મચાવતા અગ્નિત્રિકોણની ત્રણ બાજુઓ છે: લાલચનું ઇંધણ, સંવેદનહીનતાનો ઓક્સિજન અને બેદરકારીની ઉષ્મા.
     આ દાવાનળ કુમળી વયના બાળકોને ભરખી ગયો સુરતમાં. ધોળે દહાડે કેમેરાની અને અગ્નિની સાક્ષી એ તબાહી મચાવી દીધી. માથે ધોમધખતો સૂર્ય હોવા છતાં ધુમાડાના ગોટેગોટા માનવતાનું મોં કાળું કરી ગયા. હિરા ની ચમક માટે જગમશહૂર સુરત ની 'સુરત' ઉપર રાખનાં થર ચડી ગયા. આખા દેશને કપડાં પુરવતા સુરતને છલાંગ લગાવતા બાળકોને ઝીલવા માટે ન તો ચાદર મળી કે... ન તો ઇજા પામેલાને ઊંચકીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે કપડું . બારેય માસ વહેતી તાપીના નીર આ આગ સુધી પહોંચાડી ન શકાયા. 'સુરતનું જમણ અને કાશીનું મરણ' જેને મળે એનો જનમ સફળ થયો કહેવાય એવી લોકોક્તિ છે. પણ અહીં તો 'કાશી(જ્ઞાનમંદિર)નું જમણ અને સુરતનું મરણ' એવો ઘાટ થયો. શિક્ષા પ્રાપ્ત કરવા ગયેલાને શેની 'શીક્ષા' મળી..? 'તમસો મા જ્યોતિર્ગમય' ના મોટા પાટિયા ઝુલાવતી શિક્ષણ સંસ્થાઓ જ્યારે જ્યોતિને જ્વાળામાં પલટાવી નાખે ત્યાં કોની પાસે જ્ઞાન લેવા જવું? એવો સવાલ ઉપસ્થિત થાય છે.
     સુરત તો નિમિત્ત માત્ર બન્યું છે. હકીકતમાં તો આવા હઝારો સરથાણા 'સર ઝમીં એ હિન્દુસ્તાન' ના ખૂણે ખૂણે આગની રાહ માં જ છે. બસ ત્યાં હજી અગ્નિત્રિકોણની ત્રણે બાજુઓ પુરી નહિ થઈ હોય. કઈ ક્ષણે આ ત્રિકોણ પૂરો થઈ જશે એ તો બાળકૃષ્ણને જ ખબર. ભારતને દિપક(?)  પ્રગટાવવા કોઈ તાનસેનની જરૂર નથી...! અને હા મેઘમલ્હાર કોણ ગાશે ? એ પણ કોઈને ખબર હોય તો જણાવજો. આ લખતા લખતા કલમ પણ કયારે આગ પકડી લેશે એ ખબર નહીં એટલે વિરામ આપું કલમને...!

- સંજય પરમાર
   ૧:૫૦ કલાક, ૨૬ મે ૨૦૧૯.

1 comment: