Friday, May 31, 2019

દુબળા કાકા

ચેન્નાઈ આવ્યા ના ગણતરી ના દિવસો માં જ આ માલુમ થઈ ગયેલું કે નામ માં કાંઈ નથી! "What's in a name? that which we call a rose By any other name would smell as sweet." William Shakespeare એ Romeo and Juliet ભારત અને એમાં પણ દક્ષિણ ભારત ના પ્રવાસ પછી લખી હોવી જોઈએ.
શરુ શરૂ માં નામ પૂછવાની Gentalman courtesy જાળવવાનો પ્રયાસ કરેલો, પણ એમનું નામ એમની સામે જ 3-4 પ્રયાસ પછી ખોટું બોલ્યા પછી Gentleman બનવાની કોશિશ છોડી દીધી.

એટલે અમે જાતેજ લોકભોગ્ય નામકરણ કરવાની શરૂઆત કરી દીધી.  ને નામ પણ એવું શોધવાનું કે જો એના ફઈ જીવતા હોય તો પોતાના પૈસે એફિડેવિટ કરાવી ને આપણું નામ approve કરી દે!

દુબળા કાકા આ નામ પણ એમ જ પડેલું. આજે સવારે એમને જોયા આ દ્રશ્ય નું વર્ણન કરું તો - હું અમારી ગેલેરી માંથી સ્પોર્ટ્સ યુનિવર્સિટી માં રમાતી હોકી ટુર્નામેન્ટ નું વિહંગાવલોકન કરતો હતો. નીચે કઈંક અવાજ આવ્યો - પહેલા તો મને મોટું સૂપડું અને એમાં ઉડતા ચોખા દેખાયા. સૂપડા ના ધારણકરનાર ને જોવા માટે તો આંખ જીણી કરવી પડી! એક પરિચિત આકૃતિ દેખાઈ, કાળું ડિબાંગ શરીર ઘૂંટણ ઉપર ચડાવેલી લૂંગી અને લૂંગી ઉપર પાછું એજ વર્ણ નું ખુલ્લું શરીર.

મનુષ્ય શરીર માં કેટલી પાંસળી હોય એ હકીકત ભુલાઈ ગઈ હોય તો ફક્ત અંકગણિત ના જ્ઞાન આધારે હકીકત પુનર્જીવિત કરી શકાય. પણ અત્યારે મારી સમક્ષ એમની પીઠ હતી.

આ અમારા પાડોશી નું વર્ણન છે એમ કહીએ એટલે અમે કોઈ આદિવાસી વિસ્તાર માં રહીએ છીએ એવું જ જણાય અને આપણે માટે આદિવાસી ની બોલી અને દ્રવિડિયન બોલી બેય સરખી.

પણ એ સહેજ ત્રાંસા ફર્યા એટલે મને એમના સામાન્ય દેખાવ માં ત્રણ મોટા ફેરફાર દેખાયા

1 કમર પર શોલે ના ગબ્બરસિંગ અને એના સાગરીતો કારતુસ બાંધવા જે પટ્ટો પહેરતા એવો પટ્ટો
2 Pirates of the Caribbean માં Johnny Depp (નથી) પહેરતો એવો Pirates Eye Patch ડાબી આંખ પર
અને
3. અંધાધૂંધ માં આયુષ્યમાન ખુરાના પહેરે છે એવા ગોગલ્સ

બીજા અને ત્રીજા ફેરફાર નો તાળો બેસી ગયો - કાકા એ એક મહિના પહેલા કરાવેલું મોતિયા નું ઓપેરશન ! મોતિયા માં મહિનો થોડો લાગે એમ તમે કહેતા હો તો મારો ખુલાસો આગળ આવે જ છે.

પહેલો ફેરફાર સમજાયો નહીં? મોતિયા ને લૂંગી સાથે કોઈ સંબંધ ખરો? તો પછી next step માં પટ્ટા ઉપર આવીએ!
No problem - મોતિયા ના ખબર પૂછીએ એટલે એમાંથી કંઈક clue મળશે.

OK પહેલા તમારી શંકા નું નિવારણ કરી દઉં - આ લુપ્ત થતી વનજાતિ ના આદિવાસી જેવા જણાતા અમારા દુબળા કાકા એક જમાના માં ONGC માં Engineer હતા. (ONGC હજી સધ્ધર છે અને મહારત્ન કંપની જ છે)
એક જમાના માં કાકા દુબળા નહીં હોય - જાડાં ભલે ના હોય પણ અત્યાર જેટલા દુબળા તો નહીજ હોય! અને કાકી નું શરીર વધતું ગયું એમાં કાકા દુબળા થતા ગયા એમ માનવું એ Law of conservation of energy અને physics ઉપર આંધળો વિશ્વાસ કહેવાય।

કાળ ક્રમે કાકા નંખાતા ગયા એનું મુખ્ય કારણ retirement વખતે Life time free medical ના બદલા માં 60,000 રૂપિયા રોકડા મળે એ ઓફર લીધી તે!

હવે આઈડિયા આવ્યો કે મોતિયો મટતા એક મહિનો કેમ લાગ્યો? ચેન્નઈ ભલે ને નેત્ર ચિકિત્સા માટે ભારત માં પ્રથમ નમ્બર પર હોય પણ પોન્ડિચેરી ની સરકારી હોસ્પિટલ ના વોર્ડ બોય ની ઓળખાણ નાની થોડી ગણાય ખાસ તો પોન્ડિચેરી Native હોય ત્યારે !

સફળતા પૂર્વક ઓપેરશન થઈ ગયું અને હોસ્પિટલ માંથી, પેલા વોર્ડ બોય ની ઓળખાણ ને કારણે વહેલી રજા  અઠવાડિયા (!) માં મળી ગઈ, પણ ખુદ કાકા ને એની ખબર તો એનો દીકરો ચેન્નાઈ લઈ આવ્યો પછી પડી. મોતિયા માં ભલે લોકલ એનેસ્થેસિયા આપે પણ ઊંઘ ની ગોળી ના ડોઝ જેવી નાની બાબત માં ડૉક્ટર માથું ના મારે એ બધું નર્સ પર, અને વોર્ડ બોય ની ઓળખાણ એટલે બે ગોળી વધારે લ્યો ફ્રી માં જ છે. એટલે અઠવાડિયા પછી કાકા સંપૂર્ણ ભાન માં આવ્યા ત્યારે એ ચેન્નઈ માં હતા. બે દિવસ તો એમને મોતિયો તો છોડો આંખ કોને કહેવાય એ સમજાવતા થયા.

પણ પહેલા ના જમાના ના વડીલ દેશી ઘી ખાઈ ને મોટા થયેલા એટલે 10 દિવસ માં તો કાકી ને ચર્ચ માં લેવા મુકવા માટે રેડી. મોતિયા વાળી આંખ તો બંધ રાખવાની અને બીજી આંખ જોરદાર (!) એનો મોતિયો ભલે પાકી ગયો પણ એને દેશી ઉપચાર થી મટાડવા નો હતો.એટલે એ આંખ પર કાકા ને પૂરો ભરોસો.     
કાકા એ ONGC માં જોડાયા ત્યારે નવું લીધેલું સ્કુટી કાઢ્યું, ડાબા હાથે ઈન્જેકશન પાકેલું એટલે બહુ વજન ના આવવું જોઈએ પણ જમણો હાથ તો મજબૂત છે ને !  કાકી ડાબી બાજુ બંને પગ રાખે તો સ્કુટી ડાબી બાજુ 'ફગે' અને ડાબો હાથ ને તો સંભાળવાનો હતો ને , પણ ગમે તેમ તો engineer ને, કાકી ના બેય પગ જમણી બાજુ રખાવ્યા - હવે Ready !

દિવસ ને વીતતા ક્યાં વાર લાગે છે આજે મહિનો પૂરો - બે વાર પોન્ડિચેરી અને ચેન્નઈ ના ડૉક્ટર ને consult કર્યા પછી એક વાત clear થઈ ગઈ ડાબી આંખ ની ચિંતા હવે કરવાની નથી - એ આંખ માં હવે ઓલો Eye Patch કાયમી રાખવાનો છે - જે કાંઈ થઈ શકે એ હવે જમણી આંખ નું કરવાનું છે!

આંખે કેમ છે એમ પૂછીએ એટલે એ જમણી ની જ વાત કરે ! મને પણ કહ્યુ દેશી ઉપચાર શરુ કર્યો છે અને ફેર લાગે છે! બધી વાત થઈ પણ પટ્ટા નું કાંઈ સમજાયું નહીં !

1 comment: